સિનિયર સબ એડિટર પદે બઢતી સાથે જિલ્લા માહિતી કચેરી મહેસાણા ખાતે બદલી થઈ

  • vatannivat
  • 16-03-2024 12:00 PM

સુરેન્દ્રનગર માહિતી કચેરીના માહિતી મદદનીશ શિવરામ આલની બઢતી સાથે બદલી થતા માહિતી કચેરી દ્વારા ભાવભર્યું વિદાયમાન અપાયું.જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગર ખાતે ફરજરત માહિતી મદદનીશ શિવરામ આલની જિલ્લા માહિતી કચેરી, મહેસાણા ખાતે સિનિયર સબ એડિટર તરીકે બઢતી સાથે બદલી થતાં તેમને કચેરી દ્વારા ભાવભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯થી શિવરામ આલ જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા હતા.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામકએ શિવરામ આલની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, તેમણે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સરકારના વિવિધ અભિયાનો અને કાર્યક્રમો વિશેની ઉપયોગી જાણકારી લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી છે. તેમણે પ્રેસનોટ, ખાસ અહેવાલો, જાહેરાતો, એક્રિડીટેશન કાર્ડ, પરંપરાગત માધ્યમ જેવી માહિતી કચેરી અંતર્ગત આવતી વિવિધ ભૂમિકાઓ સુપેરે નિભાવી છે. અસરકારક પ્રત્યાયન, કામ પ્રત્યે સમર્પણ ભાવ અને ટીમ વર્કના ગુણો ધરાવતા શિવરામ આલે પોતાની કામગીરીના બળે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો, અધિકારીઓ અને મીડિયામાં આગવી ઓળખ મેળવી હતી. 


શિવરામ આલની કાર્ય કરવાની શૈલી વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે કચેરીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. કચેરી કામ અર્થે કચેરી સમય બાદ અને જરૂર જણાયે રજાના દિવસોમાં પણ ખૂબ ઉત્સાહ સાથે કાર્ય કર્યું છે. જે અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાદાયી બાબત રહી છે. કામમાં પહેલવૃત્તિ અને સોંપવામાં આવેલ દરેક કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ કરવાની  આલની કાર્યદક્ષતા અને નેતૃત્વના ગુણોના તેમણે વખાણ કર્યા હતા. ટીમ વર્કની ભાવનાથી કાર્ય કરનાર આલને નાયબ માહિતી નિયામકએ ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગર ખાતેના સ્મરણો વાગોળતા  શિવરામ આલે જણાવ્યું હતું કે, માહિતી મદદનીશ તરીકે હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન કચેરીના તમામ સ્ટાફ મિત્રોનો ખૂબ જ સહયોગ રહ્યો છે. આ  બદલ આભાર વ્યક્ત કરતા તેમણે આનંદપૂર્વક ઉમેર્યું હતું કે, જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગર ખાતે દરેક શાખામાંથી, દરેક કર્મચારી પાસેથી તેમને ઘણી વસ્તુઓ શીખવા મળી છે, જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બનશે. જિલ્લા કચેરીના મિત્રોને છોડીને જવાનું દુઃખ છે પરંતુ સાથે સુંદર યાદો લઈ જઈ રહ્યા હોવાનો સંતોષ છે તેવી લાગણી વ્યકત કરી હતી. વધુમાં તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર બદલ જિલ્લાના પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે માહિતી પરિવારના કર્મયોગી સર્વ શક્તિ મુંધવા, જી.એમ.ટોળીયા, કદર્મ વ્યાસ, અજય મહેતા, આર.એચ.પરમાર, ફૈઝલ ચૌહાણ, આરતીબેન મકવાણા, અનુપસિંહ પરમાર, કિશન વડેસા, હબીબભાઈ ખોખરે શિવરામ આલને શુભેચ્છાઓ પાઠવી હતી.