ભાજપના વરિષ્ઠ નેતાએ ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

  • vatannivat
  • 08-06-2022 06:25 AM

- ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું

- મોદી સરકાર આરબ દેશો સામે ટકી શકે નહીં : સ્વામી

પયગંબર મુહમ્મદ વાંધાજનક ટિપ્પણીને લઈને આરબ દેશોમાં વિરોધ

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ નૂપુર શર્મા કેસને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. બુધવારે તેમણે ટ્વિટ કર્યું હતું કે મોદી સરકાર આરબ દેશો સામે ટકી શકે નહીં. બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલ પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને આરબ દેશોમાં ઠેર-ઠેર વિવાદ ઉભો થયો છે. ઘણા આરબ દેશોએ ભારતીય રાજદૂતોને બોલાવીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. OIC, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા કટ્ટરપંથને પ્રોત્સાહન આપતા દેશોએ પણ તેને મુસ્લિમ વિશ્વ સાથે જોડીને અને ભારતને અપમાનિત કરીને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે આ બધાનો જડબાતોડ જવાબ આપ્યો છે. 



અફઘાન કટોકટી દરમિયાન ભારત સરકાર કતારના ચક્કર લગાવતી રહી : સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ પહેલા જ નુપુર શર્માને ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા પર સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે બુધવારે તેઓએ લેટેસ્ટ ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'મોદી સરકાર આરબ દેશો સામે ટકી શકે નહીં. ભારત સરકારે ઈઝરાયેલની વિરુદ્ધમાં અને આતંકવાદી સંગઠન હમાસના પક્ષમાં મતદાન કર્યું હતું. અફઘાન કટોકટી દરમિયાન ભારત સરકાર કતારના ચક્કર લગાવતી રહી, જેથી તે તાલિબાન સાથે સંબંધો બનાવી શકે. દુબઈને મની લોન્ડરર તરીકે ઓળખવામાં આવે છે અને તે બીસીસીઆઈને નિયંત્રિત કરે છે. વધુ સાંભળવા માંગો છો?'

નુપુર શર્મા અને પરિવારની સુરક્ષા

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે  વિવાદાસ્પદ નિવેદન બદલ મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં નુપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસે તેને સમન્સ પાઠવ્યું છે. તો નિવેદન બાદ સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં દિલ્હી પોલીસે નુપુર અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે.

ઓવૈસીએ ધરપકડની માંગ કરી છે

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી વિવાદને હવા આપી છે. મહારાષ્ટ્રના લાતુરમાં એક રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે, પીએમ મોદીએ ભારતના મુસ્લિમોની વાત ન સાંભળીને મુસ્લિમ દેશોને વધુ મહત્વ આપ્યું છે. નુપુર શર્મા અથવા નવીન જિંદાલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, પયગંબર વિરુદ્ધ ટિપ્પણી માટે બંનેની ધરપકડ થવી જોઈએ. જ્યારે આપણા દેશના મુસ્લિમો આ મુદ્દો ઉઠાવતા હતા ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.