બેરોજગારી મુદ્દે શરદ પવારનાં કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા, જાણો શું કહ્યું

  • vatannivat
  • 05-01-2023 07:04 AM

- બેરોજગારીને કારણે છોકરાઓને લગ્ન માટે વહુ નથી મળી રહી : શરદ પવાર

- શરદ પવારે પુણેમાં NCPની જન જગાર યાત્રાને ફ્લેગ ઓફ કરાવી

બેરોજગારી સામાજિક સમસ્યાઓનું કારણ બની રહી છે : NCP વડા

દેશમાં વધી રહેલી બેરોજગારી પર દેશના દિગ્ગજ નેતા શરદ પવારનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેમણે આ અંગે કેન્દ્ર અને મહારાષ્ટ્રની ભાજપ સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. NCPના વડા પવારે પુણેમાં કહ્યું હતું કે બેરોજગારી સામાજિક સમસ્યાઓનું કારણ બની રહી છે. લગ્ન કરવા યોગ્ય યુવકોને નોકરીના અભાવે વહુ નથી મળી રહી. બુધવારે પુણેમાં NCPની 'જન જગાર યાત્રા'ને ફ્લેગ ઓફ કરાવતા પહેલા શરદ પવારે આક્ષેપ કર્યો હતો કે મોંઘવારી અને બેરોજગારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે સમુદાયો વચ્ચે અણબનાવ બનાવવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં બેરોજગારી વધી રહી છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે જણાવ્યું હતું કે આજનો યુવા શિક્ષિત છે અને તેને નોકરીની માંગ કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો બહાર જઈ રહ્યા છે. હાલના ઉદ્યોગોને કોઈ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું નથી અને નવા ઉદ્યોગો સ્થાપવાની કોઈ તક આપવામાં આવી રહી નથી, તેનાથી બેરોજગારી વધી રહી છે.

સરકાર લોકોને મોંઘવારીમાં ધકેલી રહી છે

NCP સુપ્રીમો શરદ પવારે કહ્યું કે દેશમાં ભૂખમરાની સમસ્યાનો ઉકેલ શક્ય છે કારણ કે ખેડૂતોએ ઉત્પાદન વધાર્યું છે, પરંતુ સત્તામાં રહેલા લોકો ખેડૂતોને વાજબી ભાવ આપવા તૈયાર નથી, તેના બદલે તેઓ વચેટિયાઓના હિતોનું રક્ષણ કરી રહ્યા છે અને સરકાર સામાન્ય લોકોને મોંઘવારીના ખાડામાં ધકેલી  રહી છે.