સંજય રાઉતનાં કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો, કલમ 370 સહિતનાં મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી

  • vatannivat
  • 05-03-2023 12:42 PM

- કલમ 370 માત્ર કાગળ પર હટાવી : રાઉત 

- કાશ્મીરી પંડિતોની હત્યાનો ભાજપ પાસે કોઈ જવાબ નથી : સંજય રાઉત

ભાજપનાં રાજકીય હિતોને પૂર્ણ કરવા કલમ 370 દૂર કરવામાં આવી

શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કાશ્મીરી પંડિતોના મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે કલમ 370 હટાવવા, સીસોદીયાની ધરપકડ, કાશ્મીરી પંડિતની સુરક્ષા સહિતનાં મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરતી કલમ 370 નાબૂદ કરવાની કાર્યવાહી માત્ર કાગળ પર હતી અને તે ભારતીય જનતા પાર્ટી ના રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી.

ભાજપ પાસે કાશ્મીરી પંડિતોની સમસ્યાનો કોઈ જવાબ નથી

પાર્ટીના મુખપત્ર 'સામના'ની 'રોકટોક' કોલમમાં સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ પગલા છતાં કાશ્મીરી પંડિતોને તેમના અધિકારો મળ્યા નથી અને ભાજપના નેતાઓ પાસે તેમની સમસ્યાઓનો કોઈ જવાબ નથી. તાજેતરમાં, પુલવામામાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી, પરંતુ ભાજપે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની કથિત દારૂના કૌભાંડમાં ધરપકડ કરીને સમુદાયના ધ્યાન ભટકાવવાનું કામ કર્યું છે.

કલમ-370ની જોગવાઈઓ માત્ર કાગળ પર જ નાબૂદ કરવામાં આવી

રાઉતે વધુમાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો અને રહેશે. તેમણે કહ્યું કે કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ માત્ર કાગળ પર જ નાબૂદ કરવામાં આવી છે અને આ ભાજપના રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું છે. રાઉતે તેમની કોલમમાં "ભારત જોડો યાત્રા"નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જોડો યાત્રા'ના ભાગરૂપે ઉત્તરીય કેન્દ્રશાસિત પ્રદેશની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, તેઓ કાશ્મીરી પંડિતોને મળ્યા હતા અને સમુદાયના લોકોએ તેમને ખીણમાં તેમના બળજબરીથી સ્થળાંતર વિશે જણાવ્યું હતું. સરકાર તેમની સુરક્ષાની ખાતરી આપવા તૈયાર નથી.