NCP સુપ્રીમો શરદ પવારનાં કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 21-09-2022 10:54 AM

- વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવો, તેમની ધરપકડ કરવી એ કેન્દ્રના મોટા પ્રોજેક્ટ્સ

- જ્યારે પણ કેન્દ્ર સરકારને ચૂંટણીના પરિણામો અંગે શંકા હોય છે ત્યારે આવા પગલાં ભરે છે : શરદ પવાર 

અમે રાજકીય રીતે જવાબ આપશું : શરદ પવાર 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે બુધવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિરોધ પક્ષોના નેતાઓ સામે કેસ નોંધવો અને તેમની ધરપકડ કરવી એ કેન્દ્રનો મોટો પ્રોજેક્ટ છે. મીડિયાને સંબોધતા પવારે કહ્યું કે જો તમે આજનું અખબાર જુઓ તો તેમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓ સામે કેવી રીતે કાર્યવાહી તેજ કરી છે તેની સંપૂર્ણ વિગતો છે. એવું લાગે છે કે વિરોધ પક્ષોના નેતાઓ સામે કેસ નોંધવો અને તેમની ધરપકડ કરવી એ કેન્દ્રનો મુખ્ય પ્રોજેક્ટ છે. પવારે વધુમાં કહ્યું કે જ્યારે પણ સરકારને ચૂંટણી પરિણામો અંગે શંકા હોય છે ત્યારે આવા પગલાં એક મહત્વપૂર્ણ કાર્ય તરીકે લેવામાં આવે છે. સમાજ સામેના પડકારો અને મુદ્દાઓ બાજુ પર છે. એનસીપી નેતાએ કહ્યું કે અમે તેનો રાજકીય રીતે જવાબ આપીશું.

શરદ પવારને જારી કરવામાં આવી હતી નોટિસ 

પાત્રા ચાલના પુનઃવિકાસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એક મુખ્ય સાક્ષીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને જણાવ્યું હતું કે 2008-09માં વિસ્તારના કેટલાક રહેવાસીઓએ સ્થાનિક રાજકારણીઓ દ્વારા NCP વડા શરદ પવારનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત પણ આરોપી છે. ED આ મામલાની તપાસ કરી રહી છે. સાક્ષીએ EDને કહ્યું હતું કે વિવિધ બેઠકો બાદ HDIL (હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ)ના સંજય રાઉત, પ્રવીણ રાઉત, રાકેશ વાધવાનને પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઈડીએ આ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા પવારને નોટિસ પણ જારી કરી હતી, પરંતુ એજન્સીએ પાછળથી કહ્યું કે પવારને તપાસમાં જોડાવાની જરૂર નથી.