કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આખો દેશ...

  • vatannivat
  • 11-02-2024 06:22 PM

- આખો દેશ ડરની ઝપેટમાં છે, મને કોઈ બતાવો જે કહી શકે કે હું ડરતો નથી: ચિદમ્બરમ

- ભારતની વર્તમાન સ્થિતિ લોકશાહીથી વિપરીત : પૂર્વ નાણાંમંત્રી 

'ધ વોટરશેડ ઈયર-વ્હિચ વે વિલ ઈન્ડિયા ગો? નામના પુસ્તકનું વિમોચન 

પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે એપીજે કોલકાતા લિટરરી ફેસ્ટિવલ 2024માં પુસ્તક વિમોચન કર્યું હતું. જ્યાં તેઓએ સંબોધન કરતા કહ્યું હતું કે, આખો દેશ ડરની ઝપેટમાં છે. ભારતની વર્તમાન સ્થિતિ લોકશાહીથી વિપરીત છે. પી.ચિદમ્બરમે તેમના નવા પુસ્તક 'ધ વોટરશેડ ઈયર-વ્હિચ વે વિલ ઈન્ડિયા ગો?' ને બહાર પાડતી વખતે કહ્યું કે, એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી મને ભયમુક્ત કોઈ મળ્યું નથી.

વાસ્તવિક લોકશાહી ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે જ્યાં લોકોનું મન ભયમુક્ત હોય: પી.ચિદમ્બરમ

ચિદમ્બરમે આ કાર્યક્રમમાં સંબોધન કરતા વધુમાં કહ્યું કે, હું છેલ્લા 18 મહિનામાં જ્યાં પણ ગયો, જેની સાથે પણ વાત કરી, મને હંમેશા એવું લાગ્યું કે તે ડરી ગયો છે. ડર લોકોની વિચારસરણી પર પ્રભુત્વ ધરાવે છે. ભય તેમના અસ્તિત્વ પર પ્રભુત્વ ધરાવે છે. તમે મને એક એવી વ્યક્તિ બતાવો જે નિર્ભયપણે ઊભા રહી શકે. કોણ કહી શકે કે મારા મનમાં ડર નથી. હું કંઈપણ કહી શકું છું. હું કંઈપણ લખી શકું છું. હું કાયદાના દાયરામાં રહીને કંઈ પણ કરી શકું છું. અત્યાર સુધી મને કોઈ બિઝનેસમેન, વકીલ, ડૉક્ટર, કલાકાર કે કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિએ કહ્યું નથી કે હું જે ઈચ્છું તે બોલી શકું. હું કોઈપણ ફિલ્મ બનાવી શકું છું. વાસ્તવિક લોકશાહી ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે જ્યાં લોકોનું મન ભયમુક્ત હોય.

જે કાયદાનો વર્ષો સુધી અમલ થતો નથી તેનો શું ઉપયોગ?: મહિલા અનામત બિલ પર ચિદમ્બરમ

ચિદમ્બરમ અગાઉ પણ ઘણી વખત ભાજપ પર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે મહિલા અનામત બિલ પર પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે દાવો કર્યો છે કે મહિલા અનામત બિલ કાયદો બની ગયો છે. જે કાયદાનો વર્ષો સુધી અમલ થતો નથી તેનો શું ઉપયોગ? ચોક્કસપણે આ કાયદો 2029ની લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે નહીં. તે માત્ર ચીડવવામાં જેવું છે. જેમ પાણીના પ્યાલામાં ચંદ્રનો પડછાયો દેખાય છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલો આ કાયદો માત્ર ચૂંટણીનો ખેલ છે.