લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણુંક બાબતે કોંગ્રેસનાં કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 06-03-2023 05:27 AM

- લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરી ગેરબંધારણીય છે : જયરામ રમેશ

- અગાઉ સુપ્રીમ કોર્ટે નીચલા ગૃહના ડેપ્યુટી સ્પીકરની પસંદગી ન કરવા પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો

કોર્ટે બંધારણની કલમ 93નું ઉલ્લંઘન ગણાવ્યું

લોકસભા અને પાંચ રાજ્યોની વિધાનસભાઓમાં ડેપ્યુટી સ્પીકરોની નિમણૂક ન કરવા બદલ કોંગ્રેસ દ્વારા ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી લોકસભામાં કોઈ ડેપ્યુટી સ્પીકર નથી અને તે ગેરબંધારણીય છે. નોંધનીય છે કે એક મહિના પહેલા સુપ્રીમ કોર્ટે નીચલા ગૃહના ઉપાધ્યક્ષની પસંદગી ન કરવા પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે તેને બંધારણની કલમ 93નું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યું ટ્વીટ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે ટ્વિટ કરતા લખ્યું હતું કે, 'લોકસભામાં છેલ્લા ચાર વર્ષથી કોઈ ડેપ્યુટી સ્પીકર નથી. તે ગેરબંધારણીય છે. માર્ચ 1956માં પં. નેહરુએ આ પદ માટે વિપક્ષી અકાલી દળના સાંસદ અને નેહરુના ટીકાકાર સરદાર હુકમસિંહના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેઓ સર્વસંમતિથી ચૂંટાયા હતા.

ગયા મહિને કોર્ટમાં અરજી દાખલ થઇ હતી

આ અંગે સુપ્રીમ કોર્ટમાં ગયા મહિને એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી ડેપ્યુટી સ્પીકર ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરજદારે કેટલીક રાજ્ય વિધાનસભાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો જેણે તેમના ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી યોજી ન હતી. અરજદારે કહ્યું કે લોકસભા અને વિધાનસભાનાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી ન કરવી એ સ્વસ્થ લોકતાંત્રિક કાર્યપ્રણાલી વિરુદ્ધ છે.

ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની પરંપરા 10મી લોકસભાથી શરૂ 

અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ ડી માખીજાના જણાવ્યા અનુસાર, વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની પરંપરા 10મી લોકસભાથી શરૂ થઈ હતી. અરજદારે ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની પ્રથા 1991માં શરૂ થઈ હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના કેએસ મલ્લિકાર્જુનૈયાને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા હતા. ત્યારે લોકસભાના સ્પીકર કોંગ્રેસના શિવરાજ પાટીલ હતા. આ પરંપરા છેલ્લી મુદત સુધી અનુસરવામાં આવી હતી. એ જ રીતે ભાજપના સુમિત્રા મહાજન અધ્યક્ષ હતા જ્યારે કોંગ્રેસના એમ થમ્બીદુરાઈ ઉપાધ્યક્ષ હતા. હાલમાં ડેપ્યુટી સ્પીકરનું પદ 23 જૂન, 2019થી ખાલી છે.