કેન્દ્ર સરકારે સિગારેટના પેકેટ પર ચેતવણી લખવાના નિયમો જારી કર્યા, જાણો હવે શું લખેલું હશે

  • vatannivat
  • 22-07-2022 10:17 AM

- હવે સિગારેટના પેકેટ પર લખવામાં આવશે 'તમાકુનું સેવન એટલે કે અકાળ મૃત્યુ'

- નવા નિયમો 1 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે

પહેલા તમાકુ એટલે કે પીડાદાયક મૃત્યુ લખવામાં આવતું હતું

કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુજન્ય પદાર્થોના પેકેજિંગ માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશો પ્રમાણે હવે સિગારેટ અને અન્ય ઉત્પાદનોના પેકેટ પર મોટા અક્ષરોમાં તમાકુનું સેવન એટલે કે અકાળ મૃત્યુ લખવું પડશે. નોંધનીય છે કે આ પહેલા તમાકુ ઉત્પાદનોના પેકેટ પર તમાકુ એટલે કે પીડાદાયક મૃત્યુ લખવામાં આવતું હતું.

સગીરને તમાકુ અથવા તમાકુવાળા પદાર્થનું વેચાણ કરવું ગુન્હો બને છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 21 જુલાઈના રોજ સંશોધિત નિયમો જારી કરવામાં આવ્યા છે. નવા નિયમો 1 ડિસેમ્બર 2022થી અમલમાં આવશે. આ ઉપરાંત, પેકેટની પાછળની બાજુએ, કાળા પૃષ્ઠભૂમિ પર સફેદ અક્ષરોમાં લખેલું હશે, આજે જ છોડો, 1800-11-2356 પર કૉલ કરો. ઉલ્લેખનીય છે કે સગીરને કોઈપણ પ્રકારનું તમાકુ અથવા તમાકુવાળા કોઈપણ પદાર્થનું વેચાણ કરવું એ ચિલ્ડ્રન્સ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 77નું ઉલ્લંઘન છે. આ કાયદા હેઠળ આરોપીને સાત વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે.

તમાકુના સેવનથી દર વર્ષે 80 લાખ લોકો મૃત્યુ પામે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વિશ્વમાં તમાકુના ઉપયોગને કારણે દર વર્ષે લગભગ 8 મિલિયન (80 લાખ) મૃત્યુ થાય છે. તમાકુના ઉપયોગને રોકવા માટે દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના લોકોને તમાકુના જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે.