ભારતના છ રાજ્યોમાં વધતા કોરોનાના કેસને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં, જાણો સરકારે શું પગલાં લીધા

  • vatannivat
  • 06-08-2022 08:39 AM

- કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને ગાઈડ લાઇન્સનું કડક પાલન સહિતના મુદ્દાઓ પર ભાર મૂકવા જણાવ્યું

- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 19,406 કેસ નોંધાયા

- છેલ્લા 24 કલાકમાં 49 દર્દીઓનાં મોત પણ થયા

દેશના છ રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસોએ કેન્દ્ર સહિત રાજ્ય સરકારની ચિંતા વધારી

ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધ-ઘટ જોવા મળી રહી છે. ક્યારેક કેસમાં એકસાથે ઘટાડો નોંધાય છે. તો ક્યારેક કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ત્યારે હવે દેશના છ રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસોએ કેન્દ્ર સહિત રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. આવી સ્થિતિમાં આ ખતરનાક વાયરસની ગતિ પર બ્રેક લગાવવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે ફરી એકવાર દિલ્હી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણાના આરોગ્ય સચિવોને પત્ર લખીને તેમને સાવચેતીનાં પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. સચિવે લખેલા પાત્રમાં આ તમામ રાજ્યોને રસીકરણને ઝડપી બનાવવા, પાંચ ગણી વ્યૂહરચનાનું પાલન કરવા અને કોવિડના યોગ્ય વર્તનને અનુસરવા માટે કહેવામાં આવ્યું છે.

દેશમાં કોરોનાના કારણે થયેલ મૃત્યુનો આંક 5.26 લાખને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,406 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે. આ દરમિયાન 19,928 લોકો સાજા પણ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દેશમાં કોરોનાનો દૈનિક સંક્રમણ દર 4.96 ટકા પર પહોંચી ગયો છે. ત્યારે સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 1,34,793 પર પહોંચી ગઈ છે. આ સિવાય દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 5,26,649 પર પહોંચી ગયો છે.