કેન્દ્ર સરકારે PFI પર લગાવ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ, જાણો PFI એ શું કહ્યું

  • vatannivat
  • 28-09-2022 07:21 AM

- NIA સહિતની સુરક્ષા એજન્સીઓએ PFI વિરુદ્ધ સાત રાજ્યોમાં કાર્યવાહી કરી હતી

- ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ અને મધ્ય પ્રદેશમાં 230 થી વધુ લોકોની ધરપકડ અને અટકાયત કરવામાં આવી હતી.

UAPA એક્ટ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો

કટ્ટરપંથી ઈસ્લામવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર ટેરર ફંડિંગ અને અન્ય પ્રવૃત્તિઓને કારણે ભારતમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સંગઠન પર UAPA એક્ટ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે PFI એક કટ્ટરવાદી સંગઠન છે. 

ગૃહ મંત્રાલયને સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી

વર્ષ 2017માં NIAએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. NIAની તપાસમાં આ સંગઠન કથિત રીતે હિંસક અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. NIAના ડોઝિયર મુજબ આ સંગઠનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવતું હતું.

કઈ કઈ સંસ્થાઓ ઉપર લાગ્યો પ્રતિબંધ 

રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન

કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા

ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ

નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન

રાષ્ટ્રીય મહિલા મોરચો, જુનિયર મોરચો

એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન

રિહેબ ફાઉન્ડેશન (કેરળ)

જુનિયર ફ્રન્ટ

સાત રાજ્યોમાં 230થી વધુ લોકો ઝડપાયા

કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI ની આતંકવાદી ભંડોળ અને અન્ય પ્રવૃત્તિઓ પર મંગળવારે NIA સહિતની સુરક્ષા એજન્સીઓએ ફરીથી કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ અને મધ્ય પ્રદેશમાં 230 થી વધુ લોકોની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી હતી. NIA અને પોલીસની ટીમોએ મંગળવારે વહેલી સવારથી પીએફઆઈના પરિસરમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું, જે દિવસભર ચાલ્યું હતું. આ મામલામાં કર્ણાટકમાં સૌથી વધુ 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે યુપીમાં 57 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વાંધાજનક દસ્તાવેજો અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા 

એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારના જણાવ્યા મુજબ, દરોડામાં ઘણા ગુનાહિત દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે. આ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

PFI એ શું કહ્યું 

પીએફઆઈએ કહ્યું હતું કે, "અમને નિશાન બનાવવાની કેન્દ્ર સરકારની કાર્યવાહી સામે લોકતાંત્રિક વિરોધને રોકવાનો આ માત્ર એક પ્રયાસ છે અને આ નિરંકુશ સત્તામાં આવું સ્વાભાવિક છે."