કણકી ચોખાની નિકાસ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

  • vatannivat
  • 09-09-2022 06:26 AM

- કણકી ચોખાની નિકાસ પર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો

- ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો 40% હિસ્સો

કટકી ચોખાની નિકાસ પર કોઈ ડ્યુટી લાગતી ન હતી

ચોખાનાં સતત વધી રહેલા ભાવને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા ચોખાનાં ભાવને અંકુશમાં લેવા માટે કણકી ચોખાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે સરકાર દ્વારા આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ આજથી જ અમલમાં આવશે. નોંધનીય છે કે અગાઉ કણકી ચોખાની નિકાસ પર કોઈ ડ્યુટી લાગતી ન હતી.

વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ભારતનો 20 ટકા હિસ્સો 

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક આદેશ હેઠળ નોન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી વસૂલવામાં આવશે. આ આદેશ પણ આજથી અમલમાં આવશે. પરંતુ બાફેલા અને બાસમતી ચોખાની નિકાસને આ પ્રતિબંધની બહાર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત ચીન પછી ચોખાનું ઉત્પાદન કરતો બીજો સૌથી મોટો દેશ છે. વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 20 ટકા છે.

ભારતે 2021-22માં 21.12 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી

મહેસૂલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા પમાણે કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ચાલુ ખરીફ સિઝનમાં ડાંગરનું વાવેતર 5.62 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર થઈ ગયું છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% છે. ભારતે 2021-22માં 21.12 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન, $6.11 બિલિયનના નોન-બાસમતી ચોખાની 150 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી હતી.