અનુપમ મિશન, આણંદ ખાતે વિવિધ એનજીઓનો વર્કશોપ યોજાયો

  • vatannivat
  • 07-02-2024 02:21 PM

-શ્રેષ્ઠ સામાજીક સેવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓના ઉત્થાન વિષયક માહિતી અપાઇ

 આણંદ જિલ્લાના મોગરી સ્થિત અનુપમ મિશન, બ્રહ્મજ્યોતિ ખાતે ગુજરાતના જુદા જુદા ક્ષેત્રે સેવારત રાજ્યભરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના વર્કશોપનું અનુપમ મિશનના સાધુ  દિવ્યેશદાસજી અને અમેરિકાના ડૉ. યોગેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચૈતન્યભાઈ સાંઘાણીએ વર્કશોપમાં ઉપસ્થિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ(એન.જી.ઓ)ને સરકારના પૂરકબળ ગણાવી સંસ્થાઓની સેવાકિય પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપી સરકારી પ્રક્રિયાઓને વધુ સરળ કરવા અંગે સમજણ આપી હતી.સંતભગવંત સાહેબે  આ પ્રસંગે હાજર તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને નિસ્વાર્થ અને નિરપેક્ષભાવે સેવાકાર્ય કરવા પ્રેરણાત્મક પ્રવચન કરી સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનું સંગઠન બનાવીને એકબીજાને મદદરૂપ થવા માટે માર્ગદર્શન પ્રદાન કર્યું હતું.

રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય તેમજ સામાજિક ઉત્થાન માટે અમૂલ્ય સેવાઓ આપી રહેલ ગુજરાતની સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ આ બે દિવસીય વર્કશોપમાં ભાગ લીધો હતો. તમામ પ્રતિનિધિઓએ પોતપોતાની સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતીસભર રજૂઆત કરી વિવિધ સેવાકીય ક્ષેત્રે થઈ શકનાર બહુમૂલ્ય પ્રદાન-યોગદાન અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

આ વર્કશોપ ના બીજા દિવસે રાજ્યની બધી જ સ્વૈચ્છિક સંસ્થાઓનું સ્તર ઊંચું આવે, હાલની પરિસ્થિતિ અને તેના અનુસંધાને ભાવિ કામગીરીઓ અંગેના દિશાસૂચનો સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્ય સાથેની બેઠક મળી હતી. શરૂઆતમાં NAMTECHના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગભાઈ જોશીએ સ્વૈચ્છિક સંસ્થાઓને ઉપયોગી વિશિષ્ટ વ્યાખ્યાન રજુ કર્યું હતું. તેમજ સેવાકાર્યમાં મદદ મેળવવા યોગ્ય રજૂઆત, સેવા કરવાની યોગ્ય પદ્ધતિ, દાતાની અપેક્ષા સંતોષાય તે પ્રકારનું સેવાકાર્ય વગેરે કરવા વિશેષજ્ઞો દ્વારા વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી.

અનુપમ મિશનમાં યોજાયેલ આ દ્વિ-દિવસીય વર્કશોપ દરમિયાન પ્રતિનિધિઓં અનુપમ મિશન દ્વારા થતી વિવિધ સેવા પ્રવૃત્તિઓ જેવી કે, માનસિક દિવ્યાંગ બાળકો માટેની શાળા મિત્ર પુનર્વસન કેન્દ્ર, અદ્યતન કોમ્પ્યુટર તાલીમ આપતું ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર, ગાયન અને વાદન માટેની તાલીમ આપતું સહજાનંદ કલાસાધના તીર્થ, ગર્ભસ્થ માતાઓને તાલીમ આપતું અમ્મા તપોવન કેન્દ્ર (ગર્ભ સંસ્કાર અને શિશુ પરામર્શ કેન્દ્ર)ની મુલાકાત કરાવવામાં આવી હતી.

અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબ, સદ્દગુરુ સંતો, અમેરિકાના ડૉ.યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ.જીતુભાઈ પટેલ અને ડૉ.એન.સી.પટેલ, અતિથિ વિશેષમાં  આણંદના નાયબ મામલતદાર ચૈતન્ય સાંઘાણી, સંચાલન ડૉ.ધનંજય પટેલ, સાધુ પીટરદાસજી સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.