લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવાનો દ્વારા 'મતદાન જાગૃતિ' અંગે રેલી યોજાઈ

  • vatannivat
  • 15-03-2024 04:12 PM

 ગુજરાત યુનિવર્સિટી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા મતદાન જાગૃતિ યુવા સંવાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

-500થી વધુ યુવાઓ 'મતદાન જાગૃતિ યુવા સંવાદ' રેલીમાં જોડાયા

આ રેલીમાં 500થી વધુ યુવાનોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો જેવા કે, 'દસ મિનિટ દેશ માટે', 'વોટ ફોર સ્યોર', 'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ', 'વૃદ્ધ હો યા જુવાન, સૌ કરે મતદાન', 'અચૂક કરીએ મતદાન, એજ લોકશાહીનું સન્માન' જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.આ રેલી બાદ મતદાન જાગૃતિમાં સક્રિય ભાગીદારી વધારવા એક ઓરીએન્ટેશન યોજાયું હતું. જેમાં ભારતના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીલક્ષી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.


-યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં કરાયું આયોજન

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગેના નિરંતર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત શહેર જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલમાં પણ યુવાનોમાં મતદાનની જાગૃતિ વધે તેવા કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.